સીતારામ પાર્ક અને ખરાવાડમાં પોલીસ પ્રગટી : રોકડ અને પત્તા જપ્ત
જામનગરના ગુલાબનગર બ્રિજ નીચે શ્યામટાઉનશીપ સીતારામપાર્ક વિસ્તારમાં જાહેરમાં કેટલીક મહિલાઓ ગંજીપતા વડે જુગાર રમે છે એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નવ જુગારણોને રોકડ સાથે અટકાયતમાં લીધી હતી જયારે જામજોધપુરના ખરાવાડ વિસ્તારમાં પાના ટીંચતી ચાર મહિલાઓ ઝપટમાં આવી હતી.
શ્યામ ટાઉનશીપ, સીતારામપાર્ક ૨૧૨/૫ની સામેના વિસ્તારમાં મહિલાઓ તિનપતીનો જુગાર રમે છે જેના આધારે સીટી-બી પોલીસે દરોડો પાડીને જુગાર રમતી સીતારામ પાર્કના પુજાબેન હિતેશ ભુવા, શાકમાર્કેટ પાસે રહેતી વિલાસબેન ભરત જેઠવા, સાયોના શેરીની શોભનાબેન નાનુ માણેક, લાલવાડી જુના આવાસ ખાતે રહેતી પુનમબેન દુર્ગેશ ચૌહાણ, શંકરટેકરીની શિતલબેન કાળુ પિંગળ, ગીરધારી મંદિર પાછળ રહેતા હર્ષિદાબેન ભીખુ મકવાણા, આદીત્યપાર્કના જયાબેન જયસુખ ઉર્ફે જનક પરમાર, ખાટકીવાડના લતાબેન વિનોદ પાટડીયા અને શાક માર્કેટ પાસે રહેતી હંસાબેન જયંતી જેઠવાની અટકાયત કરી હતી. દરોડા દરમ્યાન ૧૦૫૫૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જામજોધપુરના ખરાવાડ શેરી નં. ૩માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતી ખરાવાડના ભાવનાબેન જમન સોલંકી, લાભુબેન જેન્તી પરમાર, બાધુબેન ધી વિરમગામા અને ભાનુબેન બાલુ રાઠોડની અટકાયત કરી રોકડા ૨૫૭૦ અને પત્તા જપ્ત કરવામાં આવ્યા હતા.