કાર ચાલક ફરાર : ૫.૧૦ લાખનો મુદામાલ મળી આવ્યો
ચંગા પાટીયા પાસે રેઢી પડેલી એક કારમાંથી પંચકોષી બી. ડિવિઝન પોલીસે ૫૫૦ લીટર દેશી દારૂ નો જથ્થો કબજે કર્યો છે, અને ૫,૧૦,૦૦૦ ની માલમતા કબજે કરવામાં આવી છે. કારચાલક પોલીસને જોઈને ભાગી છૂટ્યો હોવાથી કારના રજીસ્ટ્રેશન નંબર ના આધારે તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના પંચકોશી બી. ડિવિઝનના પીઆઇ રાઠોડની સુચનાથી પોલીસ સ્ટાફના એચ.એચ. જીલરીયા અને ભયપાલસિંહ જાડેજા તથા અજયભાઇને સંયુકત બાતમી મળેલ જેના આધારે જામનગર-લાલપુર રોડ પર ચંગા પાટીયે વોચ ગોઠવવામાં આવી હતી, જે દરમિયાન ચેલા ગામના પાટીયા પાસેથી રેઢી પડેલી અવસ્થામાં એક કાર મળી આવી હતી. જે કારની પોલીસ દ્વારા તલાસી લેવામાં આવતાં તેમાંથી ૫૫૦ લીટર દેશી પીવાના દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા ચાર લાખની કિંમતની કાર અને દેશી દારૂ સહિત કુલ રૂપિયા પાંચ લાખ દસ હજારની માલમતા કબજે કરી લેવામાં આવી છે. જ્યારે કારના રજીસ્ટ્રેશન નંબર જી.જે.૦૫ જે.સી.૭૯૧૩ ના આધારે પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.