ઉપલેટાના વિજયનગરમાં રહેતા શખસ 85 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપાયો

  • June 09, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉપલેટામાં વિજયનગર વિસ્તારમાં રહેતા શખસના મકાનમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી અહીંથી 85 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ ફોન સહિત રૂ.1.02 લાખનો મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહ દ્વારા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ સામે ઝીરો ટોલરેન્સ નીતિથી કામ કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પી.એસ.આઈ એ.સી.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઇ જોશી, અરવિંદસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ઉપલેટાના કૃષ્ણ કેક ઓઇલ મીલ રોડ પર વિજયનગર સોસાયટીમાં રહેતા દીપ ઉર્ફે ટીલ્યો રાઠોડના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો.


પોલીસે દરોડા દરમ્યાન અહીંથી ઇંગ્લિશ દારૂની 85 બોટલનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો આ જથ્થો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,02,340 ના મુદ્દામાલ સાથે દીપ ઉર્ફે ટીલ્યો કિરીટભાઈ રાઠોડ (ઉ.વ. 33 રહે. ઉપલેટા કૃષ્ણ કેક વિજયનગર સોસાયટી બ્લોક નંબર 19) ની ધરપકડ કરી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application