રસ્તો ઓળંગતી વેળાએ ઇકોના ચાલકે ઠોકરે ચડાવ્યા : સારવારમાં દમ તોડયો
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામના પાટીયા પાસે ચાર દિવસ પુર્વે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધાને ઇકો કારના ચાલકે હડફેટ માં લઈ કચડી નાખતાં ગંભીર ઈજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં મચ્છી પીઠ વિસ્તારમાં રહેતા જેતુનબેન જીકરભાઇ બારોયા નામના ૬૫ વર્ષીય મહિલા, તા. ૨૧ના વસઈ ગામના પાટીયા પાસે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં રસ્તો ઓળંગી રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. ૨૭ એ. એચ. ૩૩૦૪ નંબરની ઇકો કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી, અને તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે.આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર સલીમ જીકરભાઈ બારોયાએ સિક્કા પોલીસ મથકમાં ઇકો કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં એએસઆઇ સી.ટી પરમાર બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે ઇકો ચાલક સામે વધુ તપાસ હાથ ધરી છે.