લગ્નજીવનની તકરારમાં છેલ્લા એક મહિનાથી લાપતા બનેલ પત્ની અને પુત્રીનો કબ્જો મેળવવા અરજદાર પતિએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી હેબીયર્સ કોર્પસ અરજીની સુનાવણીમાં પોલીસે આજે પુત્રી અને પત્નીને અદાલત સમક્ષ હાજર કર્યા હતા.
જો કે, પુત્રની ઉમંર પાંચ વર્ષ કરતાં નાની હોવાથી જસ્ટિસ વિમલ કે.વ્યાસે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જયાં સુધી પૂરતા કે વાજબી કારણો ના હોય ત્યાં સુધી બાળકની કસ્ટડી માતા સિવાય અન્ય કોઇને પણ આપી શકાય નહી. આમ ઠરાવી હાઈકોર્ટે બાળકીની કસ્ટડી માતા પાસે જ રહેવા દઈ તેને સોંપી હતી અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં બાળકીની ઉંમર ત્રણ વર્ષની છે અને તેથી અદાલત માટે બાળકના કલ્યાણને જ સૌથી અગ્રીમ પ્રાધાન્યતા આપવાનું હોય છે. અદાલતનો અભિપ્રાય છે કે, આ ઉંમરમાં તેની માતા જ તેની પૂરતી કાળજી લઇ શકે તેમ છે, તેથી અરજદાર પિતાને પુત્રીની કસ્ટડી સોંપવાની માંગણી હાલના તબક્કે સ્વીકારી શકાય તેમ નથી.
અરજદાર પિતા તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઈ હતી કે, અરજદારના વર્ષ 2008માં લગ્ન થયા હતા અને તેની પત્નીથી લગ્નજીવન દરમિયાન તેમને બે પુત્રો અને એક ત્રણ વર્ષની પુત્રી સંતાનમાં છે. જો કે, ગયા મહિને કોઇક કારણસર તેની પત્ની તેમની નાની ત્રણ વર્ષની બાળકીને લઈને કયાંક જતી રહી છે. અરજદારે તેના સગા-પરિચિતો, મિત્ર વર્તુળમાં તપાસ કરી પરંતુ કયાંય તેની ભાળ નહી મળતાં છેવટે અરજદારે સ્થાનિક પોલીસમાં જાણ પણ કરી છે.
પરંતુ પોલીસ દ્વારા પણ અરજદારની પત્ની કે, પુત્રીને શોધવાના ફળદાયી પ્રયાસો કરવામાં આવ્યા નથી. અરજદારે તેમની રીતે પ્રયાસો કરતાં ખબર પડી છે કે, તેમની પત્ની અને પુત્રી રાજસ્થાનમાં છે અને સંબંધિત લોકો દ્વારા તેઓને ગેરકાયદે ગોંધી રખાયા છે, તેથી અદાલતે આ કેસમાં અરજદારની પત્ની અને પુત્રીને તાત્કાલિક શોધી અદાલત સમક્ષ હાજર હુકમ કર્યો હતો.
આ હુકમના અનુસંધાનમાં પોલીસે પત્ની અને પુત્રી બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, કોર્ટની કાર્યવાહી દરમિયાન પત્નીએ અરજદાર સાથે જવાની અનિચ્છા દર્શાવી હતી અને પુત્રીની વય પણ ત્રણ વર્ષથી નાની હોવાથી તેને પણ પોતાની સાથે જ રાખવાની માગ કરી હતી.
જેથી હાઈકોર્ટે પત્નીની ઇચ્છા અને બાળકીની ઉંમર જાણ્યા બાદ જણાવ્યું હતું કે, કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, જયાં સુધી કોઇ વાજબી કે પૂરતા કારણો ના હોય તેમજ પાંચ વર્ષથી નાની ઉંમરનું સંતાન હોય તો તેની કસ્ટડી માતા સિવાય અન્ય કોઇને સોંપી શકાતી નથી. કારણ કે, માતા જ તેનો સારી રીતે ઉછેર કરી શકે છે. પ્રસ્તુત કિસ્સામાં પણ બાળકીની ઉંમર ત્રણ વર્ષની એટલે કે પાંચ વર્ષની નાની છે, તેથી તેની માતા જ પૂરતી કાળજી લઇ શકે એમ હોઈ પુત્રીની કસ્ટડી માતાને સોંપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech