રાજકોટમાં મોરબી બાયપાસ રોડ પર રહેતા અને અહીં જ કલિનિક ચલાવનાર તબીબને ગઠિયાઓએ સોનું સસ્તામાં આપી દેવાની લાલચ આપી તેમની સાથે રૂ.૫ લાખની છેતરપિંડી કરી નકલી સોનું ધાબડી દીધું હતું. જે અંગે તબીબે મહિલા સહિત ત્રણ શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
છેતરપિંડીના આ બનાવ અંગે તબીબ ધવલભાઇ પ્રવિણભાઈ મોલીયા (ઉ.વ.૨૮ રહે. બ્લોક નં.૯૯ આસ્થા સાંગ્રીલા એ.ડી.બી. હોટલ પાછળ મોરબી બાયપાસ રોણકી ૮૦ ફુટ રોડ રાજકોટ) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ નામનો વ્યક્તિ તથા અન્ય એક અજાણ્યો શખસ અને અજાણી મહિલાના નામ આપ્યા છે.
તબીબે ફરિયાદમાં જણાવ્યું છે કે તે એ.ડી.બી. હોટલ પાછળ મોરબી બાયપાસ રોણકી ૮૦ ફુટ રોડ ખાતે સમય ગોલ્ડ દુકાન નં. ૫ "રૂદ્ર કલીનીક’'' નામે દવાખાનું ધરાવી પ્રેક્ટીસ કરે છે.
ગઇ તા.૧૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારના અગિયારેક વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, ડોકટર સાહેબ દવા લેવાની છે તમે કયારે દવાખાને આવશો તેમ પુછતા તબીબે તેમને થોડીવારમાં આવવાની વાત કરેલ અને તે આશરે સાડા અગિયારેક વાગ્યે દવાખાને ગયા હતા અને ત્યાં રમેશભાઇ નામની એક વ્યકિત આવેલ હોય જેની ઉંમર આશરે ૩૦ વર્ષ હતી. તેણે પોતાને તાવ આવતો હોય અને કમર દુ:ખે છે એમ વાત કરેલ હોય જેથી તેને દવા આપી હતી.
ત્યારે તેણે કહ્યું હતું કે, ગોંડલ ચોકડી પાસે કામ ચાલતુ હોય ત્યાં સાઇડ પર રહીએ છીએ અને અહીં કામ જોવા આવેલ હોવાની વાત કરી જણાવેલ કે, મારી પાસે ચાંદીનો સિકકો છે. જે તબીબને બતાવતા તે ચાંદીનો સિકકો જોયેલ હતો અને તેણે કહ્યું હતું કે આ સિકકાનું કાંઇ ન આવે એમ વાત કરેલ હતી. બાદ તેણે જણાવેલ કે, અમે મજુરીકામ કરતા હોય અને ખોદકામ કરતી વખતે આ ચાંદીનો સિકકો તથા અન્ય સોનાના દાગીના મળેલ હોવાની વાત આ રમેશ નામના વ્યક્તિએ તબીબે કરી હતી. બાદ મને જણાવેલ કે, તમારે સોનાના દાગીના જોતા હોય તો તમે આવીને જોઇ જાજો અમે વાત કરી જતા રહેલ હતા.
ગઇ તા.૧૬/૦ ૫/૨૦૨૫ ના સવારના આશરે દશેક વાગ્યે ફરીવાર તબીબને રમેશનો ફોન આવેલ અને સોનાના દાગીના બાબતે વાતચીત કરી હતી કે અમે સિવિલ હોસ્પીટલ ખાતે બતાવવા આવવાના છીએ. તમે ત્યાં આવજો અને સોનાના દાગીના જોઈ જજો અમે વાત કરેલ. બાદ બપોરના એકાદ વાગ્યે તબીબ સિવિલ હોસ્પીટલ ચોક ખાતે જઈ તેના મોબાઇલ નંબર પર ફોન કર્યો હતો. બાદમાં રમેશ પુલ નીચે લઈ ગયેલ અને ત્યાં અન્ય એક ઇસમ આશરે ૨૫ વર્ષનો તથા એક બહેન આશરે ૫૫ વર્ષ વાળી હાજર હોય અને ત્યાં આ બહેને કાળી કોથળી ખોલી તબીબને બતાવતા તેમાં પીળી ધાતુની માળાઓ હોય જેથી તબીબે તેમને પુછતા સોનાની હોવાનું જણાવેલ અને આશરે એક કીલો હોવાની વાત કરેલ હતી. બાદ તબીબે તેમને સોની પાસે બતાવાવનું કહેતા તેઓએ તેમાંથી કટકો આપ્યો હતો બાદ તેઓ નીકળી ગયેલ હતા.
તબીબે આ સોનું રણછોડનગર ખાતે જઇ પટેલ હોલમાર્ક સેન્ટર ખાતે જઇ ટચ કરાવતા સોનુ ૧૮ કેરેટ આવેલ હતુ. બાદ તેમણે દાગીના લેવાનું નકકી કર્યું હતુ.
બાદ ગઇ તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ સવારમાં આશરે સાડા અગિયારેક વાગ્યે તબીબે આ રમેશ નામના વ્યક્તિને ફોન કરી સોનાના દાગીના બાબતે વાતચીત કરી બાદ તેઓએ બધા દાગીના આપી દેવાની વાત કરતા તબીબે એક લાખમાં સોનાના દાગીના માંગેલ હતા. બાદ વાતચીતના અંતે છેલ્લે રૂપીયા પાંચ લાખમાં સોનાના દાગીના લેવાનું નકકી કરેલ હતુ. બાદ આ શખસે જણાવેલ કે, અમે સુરેન્દ્રનગર ખાતે છીએ તમે સુરેન્દ્રનગર ખાતે આવો જેથી તબીબે ના પાડતા મને ચોટીલા બોલાવેલ હતો. જેથી ગઇ તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ સવારમાં તબીબે તેમને ફોન કરી ચોટીલા આવતા હોવાની જાણ કરી હતી.
બાદ ફરિયાદી તથા તેના પત્ની બંને રૂપીયા પાંચ લાખની વ્યવસ્થા કરી અમે બન્ને બાઇક લઇને ચોટીલા ગયેલ હતા. બાદ બપોરના આશરે અઢી વાગ્યે ચોટીલા ભકિતવનમાં ઉભેલ હતા. આ શખસને ફોન કરી બોલાવતા તેઓએ બહાર હાઇવે પર ગેઇટ પાસે આવવાની વાત કરેલ હતી. બાદ તબીબ એકલા હાઇવે પર ગેઇટ પાસે ગયા હતાં. ત્યાં રમેશ નામનો આ શખસ ઉભો હોય તે ફરિયાદીને સંકલ્પ હોટલ પાસે લઇ ગયેલ હતો. બાદ ત્યાં અગાઉ મળેલ ઇસમ તથા બેન બંને પણ હાજર હતાં.બાદમાં તબીબ તેમની પત્નીને અહીં લાવી આ શખસોએ વસ્તુ જોવા આપતા તે જોઇ થેલામાં રહેલા રૂ.૫ લાખ આપી દીધા હતાં.
બાદ રમેશે મને જણાવેલ કે, તમે ચેક કરાવી લેજો ખોટુ નીકળે તો અમને પરત આપી દેજો અમે તમને રૂપીયા પરત આપી દેશુ એમ વાત કરેલ બાદમાં ફરિયાદી આ સોનુ લઇને રાજકોટ આવેલ અને સીધા સાંજના આશરે સાડા પાંચેક વાગ્યે રણછોડનગરમાં પટેલ હોલમાર્ક સેન્ટર ખાતે ગયેલ અને તપાસ કરાવતા સોનુ ખોટુ નીકળેલ હતુ. બાદ આ રમેશને તેના મોબાઇલમાં ફોન કરતા સ્વીચઓફ આવતો હતો. ફરિયાદીન પત્નિની તબિયત સારી ન હોવાથી તેમની સારવારમાં વ્યસ્ત હોય તાકીદે ફરિયાદ કરી ન હતી હવે તેમણે આ અંગે ફરિયાદ નોંધવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
June 09, 2025 03:30 PMદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech