રાષ્ટ્રિય સફાઇ કર્મચારી મજદુર યુનિયન દ્વારા ડીએમસીને આવેદનપત્ર અપાઇ
જામનગર મહાપાલીકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા સફાઇ કામદારોની ખાલી પડેલ સેટઅપની જગ્યાઓ ભરવા માટે બધા વોર્ડમાંથી રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે, કેટલાક અવેજી કામદારો લાંબા સમયથી ગેરહાજર છે અને ઘેર બેઠાં કેટલાક એસએસઆઇની મદદથી હાજરી પુરાઇ જાય છે, આ અંગે ઘટતું કરવાની માંગણી રાષ્ટ્રિય સફાઇ કર્મચારી મજદુર યુનિયનના મહેશ બાબરીયા અને અમીત પરમાર દ્વારા કરવામાં આવી છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, જે સફાઇ કામદારો લાંબા સમયથી ગેરહાજર છે તેનો સીઆર રીપોર્ટ પણ ભરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જેની પણ તપાસ કરવામાં આવે, ઉપરાંત સફાઇ કામદારોનું સિનીયોરીટી લીસ્ટ બનાવવામાં આવ્યું છે, તેમાં જે સફાઇ કામદારોના નામ છે તેમાં ક્રમ નંબર પાછળ આવે છે, જેમાં કોઇ વ્યકિતનું નામ ઉમેરવામાં આવ્યું હોય એવું અવેજી સફાઇ કામદારોના માઘ્યમથી જાણવા મળ્યું છે અને આ લીસ્ટમાં ગોટાળો હોવાનું પણ જણાઇ આવ્યું છે. તાત્કાલીક અસરથી સફાઇ કામદારોને કાયમી કર્મચારી તરીકે ઓર્ડર આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.