તાલુકા લેવલ એક્ઝિક્યુટિવના પગાર વધારાની જાહેરાતનું સૂરસુરીયુ

  • May 24, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઈ ગ્રામ યોજના અંતર્ગત તાલુકા લેવલ એકઝીકયુટીવ (ટીએલઈ) તરીકે ફરજ બજાવતા રાજ્યભરના 750 જેટલા કર્મચારીઓને તેના પગારમાં વધારો કરવાની જાહેરાત ગયા ફેબ્રુઆરી માસની પહેલી તારીખે કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આવા કોઈ કર્મચારીને પગાર વધારાનો કે એરિયર્સનો કોઈ લાભ નહીં મળતા ભારે દેકારો બોલી ગયો છે.

આઉટસોર્સ કર્મચારીઓ તરીકે ગ્રામ્ય કક્ષાએ ટીએલઈ તરીકે ફરજ બજાવતા આ કર્મચારીઓ છેલ્લા 19 વર્ષથી ગામડામાં સરકાર દ્વારા તે જુદી જુદી યોજનાઓ જાહેર કરવામાં આવે છે તેની અમલવારીની કામગીરી કરે છે. લોકોને આવી યોજનાઓનો લાભ લેવા માટે ગ્રામ્ય કક્ષાએથી તાલુકા કક્ષાએ ન જવું પડે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેડૂતોના ઉતારા, રેશનકાર્ડ જેવી કામગીરીમાં ગ્રામ પંચાયત વચ્ચે કડીરૂપ સેવા બજાવે છે.

આવા કર્મચારીઓ કુશળ કર્મચારી ની પાત્રતા ધરાવતા હોવાથી તેમને મિનિમમ વેજીસ મુજબ રુ. 35,000 નો પગાર મળવો જોઈએ પરંતુ ખાનગી કંપની દ્વારા તેમને 15,030 પગાર પેટે ચૂકવવામાં આવે છે. તારીખ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ કંપની દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ કર્મચારીઓને હવેથી 17478 પગાર મળશે તેમ કહેવાયું હતું અને 2023 ફેબ્રુઆરીથી એરિયસ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. વર્ષના 5% ઇન્ક્રીમેન્ટ મુજબ આ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી તેનો અમલ થયો નથી અને હજુ આવા કર્મચારીઓને પગાર પેટે માસિક રૂપિયા 15030 ચૂકવવામાં આવે છે.

કર્મચારીઓએ આ સંદર્ભે કંપનીમાં રજૂઆત કરતા 'સરકારમાં હજુ સહી બાકી છે અને તેથી જૂનો પગાર આપવામાં આવે છે' તેવું કહેવામાં આવે છે. પરંતુ આટલા લાંબા સમયથી નિર્ણયની જાહેરાત પછી ફાઇલમાં સહી કરવાના વાકે અટક્યું હોય તે બાબત ઘણી ચોંકાવનારી છે.

કર્મચારીઓએ સરકારમાં મુખ્યમંત્રી સમક્ષ એવી પણ રજૂઆત કરી છે કે અમને જે પગાર આપવામાં આવે છે તે પણ નિયમિત મળતો નથી. દોઢ મહિને પગાર મળે છે અને તેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News