રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદત નિયમ મુજબ તો આગામી તા.૧૨-૩-૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ રહી છે પરંતુ હાલથી જ રાજકીય ગતિવિધિઓ તેજ બનતા ચૂંટણી વહેલી યોજાશે તેવા નિર્દેશ રાજકીય વર્તુળોમાંથી મળી રહ્યા છે. અમુક કોર્પોરેટરો તો સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે હાલમાં જૂન મહિનો ચાલી રહ્યો છે હવે અમારી ટર્મના છેલ્લા છ મહિના બાકી રહ્યા છે. તો બીજી બાજુ એક વર્ગ એવું માને છે કે ચૂંટણી વહેલી આપવા માટેનું કોઇ કારણ નથી આથી વર્તમાન ટર્મ માર્ચ મહિનામાં જ પૂર્ણ થશે. મત મતાંતરો વચ્ચે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ હાલથી જ મહાપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડ વાઇઝ મુરતિયાઓની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં યોજાયેલા ઓપરેશન સિંદૂર બાદ શાસક પક્ષ ભાજપ માટે વધુ સારી સ્થિતિનું નિર્માણ થયું હોય જો ચૂંટણી વહેલી યોજાઈ તો શાસક પક્ષને વધુ ફાયદો થાય તેવું મનાય રહ્યું છે, જો ચૂંટણી વહેલી યોજાઈ તો તેનો સીધો ફાયદો ભાજપને મળે તેમ હોય તેવા સંજોગોમાં શા માટે ચૂંટણી ત્રણ મહિના મોડી યોજવી તેવો પણ એક તર્ક છે. ચૂંટણી વહેલી યોજવાથી ફાયદો થાય કે સમયસર યોજવાથી ફાયદો થાય તે અંગેનો સર્વે પણ કરાયો હોવાની ચર્ચા છે. આગામી ચૂંટણીમાં વોર્ડ સીમાંકન બદલાય તેવી સંભાવના છે તેની સાથે જ ૨૭ ટકા ઓબીસી અનામતની અમલવારીનો મુદ્દો પણ છે. અનામતના સમીકરણોમાં ફીટ બેસે તેવા ઉમેદવારો શોધવા એ પણ ભાજપ સિવાયના પક્ષો માટે એક પડકારરૂપ બાબત છે. ગત ટર્મમાં તો કોરોનાની લહેરના કારણે ચૂંટણી બે મહિના પાછી ઠેલવામાં આવી હતી. જ્યારે ચાલુ ટર્મમાં એવું કોઈ જ કારણ નથી કે ચૂંટણી માર્ચ મહિનામાં યોજવી પડે તદઉપરાંત માર્ચ મહિનામાં ઉનાળાના કારણે મતદાન ઉપર પણ અસર પડી શકે.
રાજકોટ મહાનગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના અમુક કોર્પોરેટરોએ તો આગામી ચૂંટણી લડવી નથી તેવું હાલથી જ તેમના અંગત વર્તુળોમાં જાહેર કરી દીધું છે અને દાવ ડિક્લેર કરી દીધો છે તેથી અનેક વોર્ડમાં નવા ચહેરાઓ સામે આવશે તે નક્કી છે.
ગત ટર્મમાં તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો પરંતુ આગામી ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડશે કે અલગ અલગ વર્ષે તે મુદ્દો પણ ચર્ચામાં છે. ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઉમેદવારીના કારણે કોંગ્રેસનો કરુણ રકાસ થઇ ગયો હતો અને ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનાર બીજા નંબરના પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી હતી. ગત ચૂંટણીમાં બેઠકોની સાથે જનાધાર પણ ગુમાવનાર કોંગ્રેસ પક્ષે પણ હાલથી જ વોર્ડ વાઇઝ ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે તેમ જાણવા મળે છે.
ભાજપ અને કોંગ્રેસ બંનેના શહેર સંગઠન માળખાની રચના હજુ બાકી છે ફક્ત બંને પક્ષના પ્રમુખો કાર્યરત છે પરંતુ બંને પક્ષનો મુખ્ય એજન્ડા તો હાલ મહાપાલિકાની ચૂંટણી જીતવાનો છે અને તે મુજબ જ કામગીરી ચાલી રહી છે તે જોતા કોર્પોરેશનની ચૂંટણી માર્ચ મહિનાના બદલે ડિસેમ્બરમાં જ યોજાશે તેવી શક્યતા વધુ જણાઈ રહી છે. આગામી તેમની ચૂંટણી લડવા ઇચ્છતા હોય તેવા કોર્પોરેટરો એ વોર્ડમાં આંટાફેરા શરૂ કરી દીધા છે અને પેન્ડિંગ કામો ઉકેલવા તેમજ પોતાની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાય તે માટે તકેદારી લઇ રહ્યા છે.
મહિલા કોર્પોરેટરોમાં મોટી ફેરબદલ થશે ?
મહાપાલિકાની આગામી ચૂંટણીમાં મહિલા કોર્પોરેટરોમાં મોટી ફેરબદલ થશે તેવી ચર્ચા હાલથી જ જોવા મળી રહી છે, ખાસ કરીને કુલ ૩૬ મહિલા કોર્પોરેટર માંથી હાલમાં ૩૪ કોર્પોરેટર ભાજપના છે અને બે કોર્પોરેટર કોંગ્રેસના છે. ભાજપના ૩૪ કોર્પોરેટરમાંથી બે કોર્પોરેટર ધારાસભ્ય પદે ચૂંટાયા છે તેથી સ્વાભાવિક રીતે જ તેઓ કોર્પોરેશનની આગામી ચૂંટણી ન લડે તે નક્કી છે, તદઉપરાંત અન્ય અમુક વોર્ડમાં પણ મહિલા કોર્પોરેટર બદલવામાં આવશે. ભાજપ મહિલા મોરચામાં વર્ષોથી સક્રિય હોય તેવા અનેક આગેવાનો હાલથી જ ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech