ડુંગરાળ વિસ્તારમાં પોલીસનું કોમ્બીંગ : દરોડામાં આરોપી ફરાર
દેવભુમિ દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી વી.પી.માનસતાની જુગારની તથા દારુની પ્રવૃતિઓને નાબુદ કરવા ચાલતી ઝુંબેશ અનુસંધાને ભાણવડ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.વી.રાજવીના માર્ગદર્શન હેઠળ ભાણવડ સર્વેલન્સ સ્ટાફ દ્વારા બરડા ડુંગરમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું, જે દરમ્યાન બાવળની ઝાળીમાંથી દેશી દારુનો ૨૦૦ લીટરનો જથ્થો ઝડપાયો છે તેમજ ૪૦ હજારનો મુદામાલ ઝડપાયો છે તેમજ રેઇડ દરમ્યાન આરોપી જીવણ ગલાભાઇ મોરી હાજર ન મળતાં ફરારી જાહેર કરાયો છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક વી.પી.માનસતાની દારુ તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભાણવડ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.બી.રાજવીના માર્ગદર્શન હેઠળ ભાણવડ સર્વેલન્સ માણસોની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
જે અનુસંધાને ગત તા.૧-૬-૨૫ના રોજ બરડા ડુંગરમાં પ્રોહી.અંગે કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ હોય અને આ કોમ્બીંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એએસઆઇ કેશુરભાઇ લખમણભાઇ ભાટીયા તથા પોલીસ હેડ કોન્સ. જીતુભાઇ સામરાભાઇ જામની સંયુકતમાં ચોકકસ બાતમી હકીકત મળેલ કે જીવણભાઇ ગલાભાઇ મોરી (રે.ધામણીનેશ)ની ફોરેસ્ટ ચેક પોસ્ટથી ધામણીનેશ તરફ જતાં આશરે ૧૫૦ મીટર દુર આવેલ બાવળની ઝાળીમાં દેશી દારુનો મોટો જથ્થો રાખી હેરફેર કરે છે અને હાલમાં તેની પ્રવૃતિ ચાલું હોવાની ચોકકસ હકીકતના આધારે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા દરમ્યાન દેશી દારુનો ૨૦૦ લીટરનો જથ્થો કિં. રુ.૪૦,૦૦૦ નો મુદામાલ મળી આવેલ છે અને રેઇડ દરમ્યાન આરોપી જીવણભાઇ ગલાભાઇ મોરી હાજર મળી આવેલ ન હોય જેથી આરોપી વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર્ડ કરાવેલ છે.