દારુના કેસમાં ફીટ કરવા ૨૦,૦૦૦નો તોડ કરતા અસલી પોલીસ ત્રાટકી : રીમાન્ડ માટે તજવીજ
જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસે રેઇડના નામે ૨૦ હજાર રૂપિયાનો તોડ કરી અને એક આસામી પાસેથી પણ દારૂના નામે આ જ નકલી પોલીસ અને કથિત પત્રકારે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, જેમાં જામનગર પોલીસે રાજકોટના ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે.
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતો હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ ગત તા. ૩૧/૫/૨૦૨૫ના રોજ બપોરે પોતાના ઘરે હતો, ત્યારે બપોરે બે વાગ્યાના સુમારે એક કાર પોતાના ઘર પાસે આવીને ઉભી રહી હતી. જે કારમાંથી ઉતરેલ બે શખ્સોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચના સ્ટાફના માણસો હોવાની કહી મોબાઈલમાં ઘરનું રેકોર્ડીંગ કરવા લાગ્યા હતા.
આ રેકોર્ડીંગ કરી પોતાને પોલીસ તરીકે ઓળખાવનાર બંને શખ્સોએ હર્ષ અને તેના પિતાને દારૂ સબંધિત કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, અને જો પોલીસ કેસમાં ન પડવું હોય તો રૂપિયાની માંગણી કરી હતી અને ૨૦,૦૦૦ મેળવી લીધા હતા. જે ત્રણેય શખ્સોએ અન્ય એક યુવાનને પણ આ રીતે નકલી પોલીસ અને કથીત પત્રકાર બનીને તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, અને આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણની તપાસ સીટી-બી પીઆઇ ઝાની સુચનાથી પીએસઆઇ ડી.જી. રાજ અને તેઓની ટીમે ઉપરોક્ત આરોપીઓ પૈકી રાજકોટમાં માધાપર ચોકડી પાસે ઇશ્ર્વરીયા મહાદેવ પાર્કમાં રહેતા આકાશ પ્રફુલભાઈ ધ્રાંગડ, વિજય બુધાભાઈ મકવાણા (હડમતીયા-બેડી રાજકોટ) અને સુરેશ રણમલભાઈ કારાણી (ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ મુળ રાણાવાવ)ની ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી એક કાર કબજે કરાઇ છે. જે ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવા માટે તજવીજ શરૂ કરાઈ છે.