કામે જતા હતા ને કાર કાળ બની ત્રાટકી, રાજકોટના લીમડા ચોકમાં બેફામ સ્પીડે કારે 65 વર્ષના વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળ્યા, ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું

  • June 08, 2025 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે વહેલી સવારે લીમડા ચોક પાસે એક પૂરપાટ ઝડપે કારે 68 વર્ષના વૃદ્ધને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા. વૃદ્ધા લોહીલૂહાણ થઈ જતા તેઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 


પિતાના મોતથી દીકરીઓમાં આક્રંદ

પિતાના મોતથી પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો અને મૃતકની દીકરીએ રડતા રડતા પપ્પા પાસે જવું છે કહી આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.


મીઠાભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા

મળતી માહિતી મુજબ, મીઠાભાઈ ધંધુકિયા (ઉં. 65) વહેલી સવારે લીમડા ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે મીઠાભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ ઘટના બાદ કારચાલક પલકવારમાં ફરાર થઇ ગયો હતો.


સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપવા પોલીસની તપાસ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મીઠાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


પિતાના અકાળે અવસાનથી દીકરીઓ ભાંગી પડી

આ ઘટનાથી મીઠાભાઈના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમની દીકરીઓ પોતાના પિતાના અકાળે અવસાનથી ભાંગી પડી હતી. હોસ્પિટલ ખાતે ભેગા થયેલા પરિવારજનો અને ખાસ કરીને દીકરીઓએ હૈયાફાટ રુદન કરતા જણાવ્યું કે, અમારા પિતા કોઈના ભરોસે જીવતા નહોતા. પોતાની જાતે જ જીવન ગુજારતા હતા. આવા સમયે કોઈ બેફામ ગાડી ચલાવીને તેમને મારી નાખે એ કેટલું અસહ્ય છે! આવા વાહનચાલકોને કડકમાં કડક સજા થવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application