મકાનમાલિક લગ્ન પ્રસંગમાં જમવા ગયા અને માત્ર બે કલાકમાં હાથફેરો થયો : મુદમાલ સાથે એક શખ્સની અટક
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક દરજી પરિવારના રહેણાંક મકાનને તસ્કરો એ ધોળે દહાડે નિશાન બનાવી લઈ અંદરથી રૂપિયા 48 હજારની માલમતા ની ચોરી કરી લઈ ગયા હતા, જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને એક તસ્કરને ચોરાઉ દાગીના સાથે સિટી એ. ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે.
જામનગરમાં સાધના કોલોની જલારામ મંદિર પાસે બ્લોક નંબર એલ 44 ના ફ્લેટ નંબર 2933 માં રહેતા અને દરજી કામ કરતા અતુલભાઇ વિનોદભાઈ સોલંકી (43) શનિવારે બપોરે પોતાના મકાનને તાળું મારીને પરિવાર સાથે જમણવારના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા જ્યાંથી બે કલાક બાદ ઘેર પરત ફરતાં પોતાના ઘરના બાથરૂમની બારી તૂટેલી જોવા મળી હતી
જેથી અંદર જઈને જોતાં કોઈ તસકરોએ બાથરૂમની બારી વાટે અંદર પ્રવેશ મેળવી લઇ કબાટમાં રાખેલી વસ્તુઓને વેરણ છેરણ કરી નાખી હતી, જ્યારે તિજોરીમાં રાખવામાં આવેલા રૂપિયા 47 હજારની કિંમતના સોનાના દાગીના અને 1,000ની રોકડ રકમ સહિત 48,000 ની માલમતાની ચોરી કરી લઈ ગયા હોવાનું ધ્યાન માં આવ્યું હતું. તેથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને અતુલભાઇ સોલંકીએ પોતાના મકાનમાં થયેલી ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં સિટી એ. ડિવિઝન પોલીસે બનાવના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન સીટી એ. ડિવિઝનના પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફના હિતેશ સાગઠીયા, શૈલેષ ઠાકરીયા, રાજેન્દ્રસિંહ ડોડીયાને બાતમી મળી હતી કે ચાંદી બજાર વિસ્તારમાં સોનાના દાગીના વેચવા માટે એક શખ્સ આંટા ફેરા કરે છે જેના આધારે ત્યાં જઇ તપાસ કરતા જામનગરમાં રણજીત સાગર રોડ પર મારવાડી વાસમાં રહેતા પરેશ ઉર્ફે દુબળો બેચરભાઈ સોલંકીની અટકાયત કરી લઇ તેની પાસેથી 1,000ની રોકડ રકમ અને ચોરાઉ દાગીના જેમાં સોનાની બુંટી, સોનાની પટ્ટીના ટુકડા, ઓમકાર, સોનાના કડીની જોડ, વીંટી, સોનાના બે દાણા કબજે કરી લીધા છે. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી હતી આમ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech